મને એ જ સમજાતુ નથી કે આવું શાને થાય છે
ફુલડા ડુબી જાય ત્યાં પથ્થરો તરી જાય છે.
ટળવળે તરસ્યા, ત્યાં જે વાદળી વેરણ બને
તેજ રણમા ધુમ મૂશળધાર વરસી જાય છે.
ઘર-હિણા ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર
ને ગગનચુંબી મહેલો જનસૂના રહી જાય છે.
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે.
કામધેનુ ને મળે ના એક સૂકું તણખલું
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.
છે ગરીબો ના કુબામાં તેલ ટીંપુય દોહ્યલું
ને શ્રીમંતોની કબર પર ઘીના દિવા થાય છે.