Wednesday, February 10, 2010

એ લોકો

એ લોકો
એ લોકો પહેલા કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય ત્યારે
વારવાર વેચે છે
એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે
એ લોકો પહેલા ઔષધની શીશીઓ
સંઘરી રાખે છે
અને માણસ ફૂટી જાય ત્યારે
થોડી થોડી રેડે છે
તે તે લોકો છે જ નહી,
એ તો છે નોટો ને ખાઈ ઉછરતી ઉધઈ
બીજુ એને ભાવતુ નથી
મારે કવી થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ

મને એ જ સમજાતુ નથી કે આવું શાને થાય છે

મને એ જ સમજાતુ નથી કે આવું શાને થાય છે
ફુલડા ડુબી જાય ત્યાં પથ્થરો તરી જાય છે.
ટળવળે તરસ્યા, ત્યાં જે વાદળી વેરણ બને
તેજ રણમા ધુમ મૂશળધાર વરસી જાય છે.
ઘર-હિણા ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર
ને ગગનચુંબી મહેલો જનસૂના રહી જાય છે.
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે.
કામધેનુ ને મળે ના એક સૂકું તણખલું
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.
છે ગરીબો ના કુબામાં તેલ ટીંપુય દોહ્યલું
ને શ્રીમંતોની કબર પ ઘીના દિવા થાય છે.